ઘણા વખતે મળ્યાં છો, બદલાવ નવો છે
ઓળખાણ ભલે જૂની રહી, લગાવ નવો છે
ચાલ બેસ ફરી પાછળ મારી, ફરવા જઇયે
જુના ઠેકાણા એજ, રંગરોગાન સાવ નવો છે
મંદિરની પાછળના ગાર્ડનમાં હજી ફુવારા ચાલે છે
વડવાઇયોંની ઓથમાં પ્રેમીયોનાં ધબકારા ચાલે છે
બદલાઈ ગયા છે મેના, પોપટ, ચકલી ને કાબર
પ્રેમ નવો ઉગ્યો ત્યાં, એનો વ્યવહાર નવો છે
રુપાલી ની સામે ફૂટપાથ પર હવે બેસતાં નથી
કલાકો અકારણ મારી વાત પર હવે બેસતાં નથી
યાદોને જીવ્યા કરતા ફોટામાં કેદ કર્યાંની હોંશ છે વધુ
મિત્રો ને ખોટું પણ લાગે! આ ત્રાસ નવો છે
દસ રૂપિયાની પાણી પુરી, વીસના ખમણ
પાંચ રૂપિયાના કટોરામાં પેટ ભરી જમણ
પાંચસોની ડીશનો ય જો આનંદ લેનારા એકલા
ખાલીપણાનો લાગતો કડવો, સ્વાદ નવો છે
કોલેજમાં જ્યારે ધોધમાર વરસતો વરસાદ
પગપાળા સાથે ઘેર સુધી આવતો એ વરસાદ
કલાકો ઘૂંટણિયે પાણીમાં મસ્તીથી મિત્રો મ્હાલતા
છાંટા પડતા છુપાવું પડે એવો વરસાદ નવો છે
તને ગમતી એ મારા ટચમાં છે, મને ગમતી એ ખોવાઈ ગયી
આ તારી ભાભી, પેલી મારાવાળી, ગાંડી વાતો ભુલાઈ ગયી
કોઈ ગમીય જાય તો કેહવું કોને,
સુંદરતા ને વખાણવામાં પડેલો અભાવ નવો છે
ફરી મળીએ, ફરી રળીયે, રખડપટ્ટી ફરી કરીયે
જુના નવા બધા ઠેકાણા સાથે મળી ફરી વળીયે
ફરી જગાડીયે ભુલાયેલા પ્રેમને
નવો છે આ દિવસ, જીવનનો પડાવ નવો છે
Comments
Post a Comment